એક ઓટોમોબાઇલ એન્જીનીયરે અફ્લાતૂન કાર બનાવી. કારને જોઇને જ લોકોની આંખો આશ્વર્યથી પહોળી થઇ જાય એવી અદભૂત કાર હતી. એન્જીનિયર કંપનીના માલીકને સરપ્રાઇઝ આપવા માંગતો હતો એટલે ગેરેજના અંદરના ભાગમાં છુપી રીતે આ કાર બનાવવામાં આવી હતી. કાર તૈયાર થયા પછી કંપનીના માલિકને જાણ કરવામાં આવી.
કંપનીના માલિક ગેરેજના અંદરના ભાગે આવ્યા અને કારને જોઇને રીતસરના નાચવા લાગ્યા. કાર બનાવનાર એન્જીનિયરને ભેટીને અભિનંદન આપ્યા અને એન્જીનિયર માટે મોટી રકમના ઇનામની જાહેરાત કરી. કારને હવે ગેરેજના અંદરના ભાગમાંથી બહાર લાવીને પ્રદર્શન માટે મુકવાની હતી. ડ્રાઇવર ગાડી ચલાવીને દરવાજા સુધી આવ્યો પછી અટકી ગયો. દરવાજાની ઉંચાઇ કરતા ગાડીની ઉંચાઇ સહેજ વધુ હતી. એન્જીનિયર આ બાબતને ધ્યાને લેવાનું ભૂલી ગયેલો.
ત્યાં હાજર જુદી-જુદી વ્યક્તિઓએ જુદા-જુદા સુચનો આપવાના ચાલુ કર્યા. એકે કહ્યુ 'દરવાજાનો ઉપરનો ભાગ તોડી નાંખો, ગાડી નીકળી જાય પછી ફરીથી ચણી લેવાનો'. બીજાએ કહ્યુ 'ઉપરનો ભાગ તોડવાને બદલે નીચેની લાદી જ તોડી નાંખો અને ગાડી નીકળી ગયા પછી નવી લાદી ચોંટાડી દેવાની' ત્રીજાએ વળી કહ્યુ ' ગાડી દરવાજા કરતા સહેજ જ ઉંચી દેખાય છે એટલે પસાર થઇ જવા દો. ગાડીના ઉપરના ભાગે ઘસરકા પડે તો ફરીથી કલર કરીને ઘસરકાઓ દુર કરી શકાય'.
આ બધા સુચનો પૈકી ક્યુ સુચન સ્વિકારવું એ બાબતે માલિક મનોમંથન કરતા હતા. માલિક અને બીજા લોકોને મુંઝાયેલા જોઇને વોચમેન નજીક આવ્યો અને વિનમ્રતાથી કહ્યુ, "શેઠ, આ કંઇ કરવાની જરૂર નથી. ચારે વીલમાંથી હવા ઓછી કરી નાંખો એટલે ગાડી સરળતાથી દરવાજાની બહાર નીકળી જશે" માલિક સહિત બધાને થયુ કે વોચમેનને જે વિચાર આવ્યો એ વિચાર આપણને કોઇને કેમ ન આવ્યો ?
જીવનમાં આવતી દરેક સમસ્યાને નિષ્ણાંત તરીકેના દ્રષ્ટિકોણથી ન જુવો. મોટાભાગની સમસ્યાઓના ઉકેલ બહુ સરળ હોય છે પણ વધુ પડતા વિચારોથી આપણે સમસ્યાને ગૂંચવી નાંખીએ છીએ.બીજુ કે મિત્રો અને સગા-સંબંધીઓના ઘરના દરવાજા કરતા આપણી ઉંચાઇ વધી જાય અને અંદર પ્રવેશવામાં મુશ્કેલી થાય તો થોડી હવા ( અહંકાર ) કાઢી નાંખવી પછી આરામથી પ્રવેશ કરી શકાશે.
Sign up here with your email
ConversionConversion EmoticonEmoticon